છેલ્લા ૩૫ વર્ષથી અનેક જિનમંદિરો - જીર્ણોદ્ધારો - ઉપાશ્રયો - વિહારધામો વિ. ના સર્જન અને સહભાગી થવામાં ટ્રસ્ટ નિમિત્તભૂત થયું છે.
સાત ક્ષેત્રની ભક્તિની સાથે સાથે પૂ. આ. શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની મુખ્ય ભાવના હતી કે શાસન ના સાત ક્ષેત્રના પાયા સ્વરૂપ જિનાગમોની રક્ષા વિશેષ રૂપે થવી જોઈએ. તેમણે ૨૦૩૫ થી આગમગ્રંથોના - શાસ્ત્રગ્રંથોના પુનરૂદ્ધાર કરવાનો પ્રારંભ કર્યો. તેઓ વારંવાર કહેતા હતા કે “મંદિરો જીર્ણ થતાં આજકાલના સોમપુરાઓ પણ નવા મંદિરો ઉભા કરી દેશે પણ પૂ. આ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પૂ. ઉપા. શ્રી. યશોવિજયજી મ. જેવા ધુરંધર અનેક પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથો જો નષ્ટ થઇ જશે તો બીજા હેમચંદ્રાચાર્ય ક્યાંથી લાવશું?” આ ભાવનામાંથી શાસ્ત્રોદ્ધારની શરૂઆત થઇ.
શ્રુતોદ્ધારની શ્રુંખલા
૧. પ્રથમ તબક્કામાં લગભગ ૫૦૦ શાસ્ત્રગ્રંથોની ૫૦૦/૫૦૦ નકલો ઓફસેટના રૂપમાં પુનર્જીવિત થઇ. ભારતભરના સંઘોનો અપૂર્વ સહકાર મળતો રહ્યો. આ ૫૦૦ શાસ્ત્રગ્રંથોને ભારતભરના જ્ઞાનભંડારોમાં વિનામૂલ્યે ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યા.જેથી ૪૦૦ ભંડારો સંમૃદ્ધ થયા.
૨. ટકાઉ હાથવણાટના કાગળો ઉપર લહિયાઓ દ્વારા શાસ્ત્રગ્રંથો લખાવવાનું મિશન પણ ચાલુ હતું. જેમાં લગભગ ૨૦૦૦ ગ્રંથો લહિયાઓ દ્વારા લખાવવામાં આવ્યા.
૩. શ્રીલંકાના તાડપત્રો ઉપર ઓરિસ્સાના લહિયાઓ દ્વારા શાસ્ત્રગ્રંથો લખાવવાનું કાર્ય ચાલુ જ છે. ૫૦૦ ગ્રંથો તાડપત્રો પર લખાયા છે. કાર્ય ચીલઝડપે આગળ વધી રહ્યું છે.
૪. સેંકડો વર્ષો સુધી ટકી રહે, ભેજ ન લાગે, ઉધઈ ન લાગે, પાણીની અસર ન થાય એવા વિશિષ્ટ કાગળ ઉપર સિલેક્ટેડ ગ્રંથો , ટકાઉ શ્યાહી વાપરી શાસ્ત્રગ્રંથો પ્રિન્ટીંગ કરાવવાનું કાર્ય પણ ઘણી પ્રગતિ ઉપર છે. આ કાગળમાં લગભગ ૧૫૦ શાસ્ત્રગ્રંથો છપાયા છે. જેની ૧૦૦/૧૦૦ નકલ કરી ભારતભરના મુખ્ય જ્ઞાનભંડારો માં ભેટ રૂપે સમર્પિત કરાયા છે. કાગળ અને શ્યાહી અતિ મોંઘા હોવાના કારણે આ કાર્ય ઘણું ઘણું મોંઘુ પડે છે. પણ પ્રભુના અમૂલ્ય શાસ્ત્રગ્રંથોની સુરક્ષાની સામે રૂપિયાનું કોઈ મૂલ્ય નથી. પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આજે ૮૦ વર્ષે પણ આ કાર્ય પાછળ સખત પરિશ્રમ છે, જેની અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
૫. આપણા પ્રાચીન તાડપત્રો અને હસ્તલિખિત ગ્રંથોની રક્ષા પણ જરૂરી છે. હજારો-લાખો ગ્રંથો વિદેશમાં છે. હજારો-લાખો ગ્રંથો ભારતમાં પણ સરકાર કે સરકારી સંસ્થાઓ હસ્તક છે, તો ઘણા ગ્રંથો જૈન સંસ્થાઓમાં સચવાયેલા છે. આ બધા ગ્રંથોની રક્ષા કરવાનું બીડું પણ ગુરુદેવશ્રીએ ઊઠાવ્યું છે. વિશ્વાસુ અને અનુભવી ટીમ દ્વારા આવા અગણિત હસ્તલિખિત ગ્રંથોને સ્કેન કરી તેની રક્ષા કરવાનું ભગીરથ કાર્ય પણ ચાલી રહ્યું છે. આ બધા કાર્યોમાં લાખો નહી કરોડો કરોડો રૂપિયાનો સદ્વ્યય થઇ રહ્યો છે. ભારતભરના સંઘો જિનશાસન આરાધના ટ્રસ્ટના શ્રુતોદ્ધારના આ મહાન અને ભગીરથ કાર્યથી સુપરિચિત છે. એટલે ભારતભરના સંઘો આ કાર્યમાં કલ્પના બહારનો આર્થિક સહકાર આપી રહ્યા છે. તેના કારણે કાર્યમાં રુકાવટ આવતી નથી.
પાટણ શ્રુત ભવન
શ્રુતોદ્ધારના કાર્ય માટે ઉત્તર ગુજરાતમાં પાટણ મુકામે ટ્રસ્ટનું ત્રણ મજલી મકાન છે. બીજું પણ એક મકાન છે, જ્યાંથી ગ્રંથોના વિતરણ વિ. કાર્યો થાય છે. પાટણમાં રહેતા અને ભણતા સેંકડો સાધુ-સાધ્વીજીઓને તથા બહારથી પણ કોઈ સાધુ-સાધ્વીજી ગ્રંથો મંગાવે તેમને અત્રેથી ગ્રંથો તરત પહોંચતા કરવામાં આવે છે. આ રીતે જ્ઞાનભક્તિનો અદભૂત લાભ ટ્રસ્ટને મળી રહ્યો છે. પાટણના વિદ્વાન પંડિતવર્ય ચંદ્રકાન્તભાઈ સંઘવી છેલ્લા ૩૦ વર્ષોથી આ શ્રુતોદ્ધારના કાર્યમાં મુખ્ય સંચાલક છે. તેઓની રાહબરી હેઠળ તેઓની વિશિષ્ટ સુઝ-બુઝ અને શાસ્ત્રપ્રેમના કારણે આ કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. પૂ. આચાર્ય ભગવંતશ્રીના અનેક શિષ્યરત્નો અપ્રગટ ગ્રંથોને પ્રગટ કરવા, આગમ - શાસ્ત્રગ્રંથોના સંશોધન, સંપાદન, પ્રકાશન આદિ કાર્યો કરવા દ્વારા અનુમોદનીય શ્રુતભક્તિ કરી રહ્યા છે.
પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જબરજસ્ત વૈરાગી છે. તેમના બે વિશેષણો છે. વૈરાગ્યદેશનાદક્ષ અને પ્રાચીનશ્રુતોદ્ધારક. જૈફ વયે પણ તેઓ દિવસરાત આગમ ગ્રંથોના ઉદ્ધારનું કાર્ય કરતા રહે છે, શાસ્ત્રગ્રંથો વાંચતા રહે છે અને વૈરાગ્યસભર ચિંતનો લખતા રહે છે, જે લોકભોગ્ય પુસ્તક રૂપે પ્રગટ થતાં રહે છે. ગુરુદેવશ્રીના આવા ૮૦ થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. આચાર્ય ભગવંતશ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ પણ પોતાના ગુરુદેવશ્રીના શ્રુતોદ્ધારના મિશનમાં સહભાગી થઇ રહ્યા છે. તેઓ દ્વારા લિખિત-સંશોધિત-સંપાદિત-પ્રેરિત ઘણા બધા શાસ્ત્રીય/લોકભોગ્ય ગ્રંથો પુસ્તકો પ્રગટ થઇ ચૂંક્યા છે. જૈન/જૈનેતર સમાજમાં તેને સારો આવકાર મળી રહ્યો છે.
પ્રેમસૂરીશ્વરજી જ્ઞાન પીઠ
શ્રુતોદ્ધારનું કાર્ય વિરાટ ફલક ઉપર પહોંચતા ટ્રસ્ટે અમદાવાદ ખાતે પાલડી વિસ્તારમાં, પરિમલ જૈન સંઘના પરિસરમાં લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે, પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવંતશ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા-માર્ગદર્શન તથા આશીર્વાદથી એક વિરાટ શ્રુતમંદિરનું નિર્માણ કર્યું છે. જેનું નામ છે, "સિદ્ધાંતમહોદધિ વિજય પ્રેમસૂરીશ્વરજી જ્ઞાન પીઠ"
આ જ્ઞાનપીઠમાં લાખો આગમ-શાસ્ત્રગ્રંથોની સુરક્ષા થાય છે. કોઈ પણ સાધુ-સાધ્વીજીને કે જિજ્ઞાસુઓને જે પણ ગ્રંથનો અભ્યાસ કરવો હોય તો અત્રેથી ઉપલબ્ધ છે. ગ્રંથોના સંશોધન-સંપાદન-પ્રકાશનાદિ કાર્યો પણ અત્રેથી પૂરબહારમાં થઇ રહ્યા છે. અત્રે દાદાગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું ગુરુમંદિર છે. આખા અમદાવાદ શહેરમાં સમ્યગ્જ્ઞાનના પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિનું આ કેન્દ્રબિંદુ છે.
અમો અંતરથી આભાર માનીએ છીએ.
૧. ભાઈશ્રી - પૂના
૨. મીનાબેન વિનયચંદ કોઠારી (જોધપુર, મુંબઈ)
૩. બીનાબેન કિર્તીભાઈ શાહ
કે જેમણે “જ્ઞાનપીઠ” માં મોટું યોગદાન આપી સુંદર પુણ્ય ઉપાર્જન કર્યું છે અને ટ્રસ્ટના કાર્યને ઉત્સાહિત કર્યું છે. સાથે સાથે અહી જ્ઞાનની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી માતાજીનું ભવ્ય મંદિર છે. અને “આગમ મંદિર” નું પણ અદભુત સર્જન કરવામાં આવેલ છે.
પ્રેમ-ભુવનભાનુસૂરિ આરાધના ભવન, પાલીતાણા
પાલીતાણા ખાતે મ્યુઝીયમની પાછળ ટ્રસ્ટે એક વિરાટ “પ્રેમ-ભુવનભાનુસૂરિ આરાધના ભવન” નું નિર્માણ કરેલ છે. જેમાં હજારો સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિનો બારેમાસ લાભ મળી રહ્યો છે. વરસાદના મીઠા પાણીને ટાંકામાં સંગ્રહીત રોજના સેંકડો ઘડા ઉકાળેલા પાણીનો લાભ લેવામાં આવે છે. જેનાથી સાધુ-સાધ્વીજીઓને શાંતિ-સ્વસ્થતા મળે છે.
અહીં વિરાટ જ્ઞાનભંડારનું નિર્માણ થયું છે. પાલીતાણામાં રહેતા-અભ્યાસ કરતા સાધુ-સાધ્વીજી ભગવંતોને જોઈતા ગ્રંથો સરળતાથી અહીંથી મળી શકે છે. આમ સાધુ-સાધ્વીજી ભગવંતોની આવાસભક્તિ, જલભક્તિ અને જ્ઞાનભક્તિ નો સુંદર લાભ ટ્રસ્ટને મળી રહ્યો છે.
છેલ્લા ૧૫ વર્ષથી આ આરાધના ભવનમાં વિદ્વાન પંડિતો દ્વારા સાધુ-સાધ્વીજી ભગવંતો તથા મુમુક્ષુઓને ભણાવવાની પ્રવૃત્તિ પણ ચાલે છે. આજ સુધી હજ્જારો સાધુ-સાધ્વીજી ભગવંતોના અધ્યયનનો લાભ ટ્રસ્ટ ને મળેલ છે.
વણોદ તીર્થ
શંખેશ્વર મહાતીર્થ પાસે શાંતિનાથદાદાનું વણોદ તીર્થ છે. વનરાજ ચાવડા અને શીલગુણસૂરિ મ. ના નામ થી પ્રસિદ્ધ ૧૨૦૦ વર્ષ પ્રાચીન ઐતિહાસિક ભૂમિ છે. શાંતિનાથ દાદા પણ પ્રાચીન અને પ્રભાવક છે. આ તીર્થનો સંપૂર્ણ જીર્ણોદ્ધારનો લાભ ટ્રસ્ટ ને મળેલ છે.
સાત ક્ષેત્રની અનુપમ ભક્તિ
શ્રુતોદ્ધારની મુખ્ય પ્રવૃત્તિ સાથે ટ્રસ્ટ વર્ષોથી સાત ક્ષેત્રની અનુપમ ભક્તિ કરી રહ્યું છે. અનેક જિનાલયોના જીર્ણોદ્ધાર ટ્રસ્ટે કર્યા છે. અનેક જીર્ણોદ્ધારોમાં સહયોગ પણ આપ્યો છે.
જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા આજ દિન સુધી પ્રકાશિત થયેલ શાસ્ત્રગ્રંથો તથા આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. તથા આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ. દ્વારા પ્રગટ કરાયેલા ગ્રંથોનું વિગતવાર સૂચિપત્ર website ઉપર આપેલ છે.
અનેક વિહારધામોના સર્જન ટ્રસ્ટે કર્યા છે, કેટલાકમાં વિશિષ્ટ સહયોગ આપેલ છે.
અનેક સાધર્મિકોની સમયોચિત જરૂરીયાત મુજબ ગુપ્ત ભક્તિ પણ ટ્રસ્ટ કરી રહ્યું છે. |